સ્માર્ટફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસમાં ઇમોજિસને કારણે એક આખી નવી ભાષા વિકાસી છે! વોટ્સએપમાં ફેમિલી ગ્રૂપમાં કોઈ એક વ્યક્તિ કોઈ ધાર્મિક ફોટો ફોરવર્ડ કરે ત્યારે ગ્રૂપમાંના અન્ય કેટલાય સભ્યો પ્રણામના ઈમોજી 🙏 અપલોડ કરીને સંતોષ માની લે. ગ્રૂપમાંના કેટલાક સભ્યો ઝાઝું ટાઇપ કરી શકે તેમ ન હોય અને બીજી તરફ કેટલાકને ઝાઝું ટાઈપ કરવાનો સમય ન હોય , ત્યારે ઈમોજી તેમની મદદ કરે!
અનેક પ્રકારના ઈમોજીનો આપણે રોજેરોજ ઉપયોગ કરતા હોવા છતાં તે કેવી રીતે સર્જાતા હશે અને જુદા જુદા સ્વરૂપે કઇ રીતે આપણા સુધી પહોંચતા હશે તેના પર આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ઈમોજી કોઈ પણ વ્યક્તિ તૈયાર કરી શકે છે. તમને ડિજિટલ ડિઝાઇન કરતાં આવડતું હોય અને પછી તેને તમે બાઈનરી કોડમાં દર્શાવી શકતા હો તો તમે પણ તમને ગમે તેવો ઇમોજી બનાવી શકો છો. પરંતુ જ્યારે આપણા કી-બોર્ડમાં દેખાતા ઈમોજીની યાદીમાં આ ઈમોજીને સામેલ કરવાની વાત આવે ત્યારે વાત એટલી સહેલી નથી હોતી.
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વોટ્સએપ એપમાંની ચેટમાં, જીબોર્ડ નામના કીબોર્ડની મદદથી કોઈ વ્યક્તિ ઈમોજી ઉમેરે તો એ ઈમોજી કોઈ પણ કંપનીના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કે પછી આઈફોનમાં પણ વોટ્સએપમાં એ જ સ્વરૂપે જોવા મળે એ સુનિશ્ચિત કરવા માટે ઇમોજીનું એક યુનિક પ્લેટફોર્મ તૈયાર કરવું આવશ્યક હતું. વોટ્સએપની જેમ જ્યાં જ્યાં ઈમોજીનો ઉપયોગ શક્ય હોય એ બધી જગ્યાએ, જુદાં જુદાં સાધનો, પ્લેટફોર્મ વગેરેમાં તે બધાને બરાબર દેખાવાં જોઈએ.
અત્યારે આપણે ઈમોજીના સંદર્ભે કરી રહ્યા છીએ. પરંતુ તે સમગ્ર વિશ્વની અનેક ભાષાઓમાં તૈયાર થતા બધા પ્રકારના ડિજિટલ લખાણને પણ એટલી જ લાગુ પડે છે. ફક્ત આપણી ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં જુદી જુદી સંખ્યાબંધ કંપનીઓએ તૈયાર કરેલા પ્રોપ્રાઈટરી સોફ્ટવેરની મદદથી કે જુદા જુદા લોકોએ બનાવેલા ફોનટની મદદથી ગુજરાતી લખાણને ડિજિટલ ટેસ્ટનું સ્વરૂપ આપી શકાય છે. પરંતુ સામાન્ય રીતે એક કંપનીના ફોન્ટમાં તૈયાર થયેલું લખાણ એ ફોન્ટ વિના બીજી કપ્યુટરમાં જોઈ શકાતું નથી.
આ સમસ્યાનો ઉપાય યુનિકોડ નામની વ્યવસ્થા છે. તેમાં જુદી જુદી ભાષાના અક્ષરોને એક સમાન બાઈનરી કોડથી દર્શાવવાની વ્યવસ્થા અપનાવવામાં આવી. કપ્યુટર અને સ્માર્ટફોનના સોફ્ટવેર અને હાર્ડવેર સાથે સંકળાયેલી વિવિધ કંપની આ વ્યવસ્થામાં સહભાગી બની. પરિણામે વિવિધ ભાષામાં સર્જાતા ડિજિટલ કન્ટેન્ટની અરાજકતામાં ઘણે અંશે વ્યવસ્થા સર્જાઈ.
વાત ઈમોજીમાંથી યુનિકોડના આડે પાટે કેમ ફ્નતાઇ એવુ વિચારતા હો તો થોડી ધીરજ રાખો. યુનિકોડના સહિયારા સંચાલન માટે યુનિકોડ કોન્સોર્ટિયમ’ નામની એક સંસ્થા બનાવવામાં આવી છે. ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ વગેરે કંપની યુનિકોડ કોન્સોર્ટિયમનો હિસ્સો છે. દર વર્ષે આ સંસ્થાને અવનવા અનેક ઇમોજી ઉમેરવા માટે પ્રસ્તાવ મળતા રહે છે. આ સંસ્થામાં સામેલ તમામ કંપની સાથે મળીને નક્કી કરે છે કે ક્યા નવા ઈમોજી અપનાવવા અને એ રીતે છેવટે, આપણા સ્માર્ટફોન સુધી નવા ઈમોજી પહોંચે છે. સામાન્ય રીતે યુનિકોડ દ્વારા દર વર્ષે નવા ઇમોજીનું લિસ્ટ બહાર પડે છે.
અંતમા ઇમોજી ડિઝાઇન કરવા સાવ સહેલા છે, તેને બાઈનરી કોડમાં કન્વર્ટ કરવા થોડા મુશ્કેલ છે અને સ્માર્ટફોન કે પીસીના કીબોર્ડમાં દાખલ કરવા સૌથી મુશ્કેલ છે! ☺️👍