Home Religious ડોલોત્સવ એટલે શું ?પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલોત્સવ એટલે શું ?પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

0
0
1,301

ડોલોત્સવ એટલે શું ?
પુષ્ટિમાર્ગ મા ડોલોત્સવ નું શુ મહત્વ અને તેનો ભાવ શુ ?
પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલ એટલે પત્ર – પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં આપણા સેવ્ય પ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ.

ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને ઉત્સોત્સવ ના ઉત્સાહિત આનંદ ના પ્રકાર રૂપે નૂતન વસ્ત્ર, શૃંગાર, નિત-નવીન વિવિધ સામગ્રી વગેરે અંગીકાર કરાવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સહિત પોતાના લીલાપરિકર સાથે અને વ્રજભક્તો તથા લીલાપરીકર, પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. તે ભાવથી આપણા નિઝઘરમાં પ્રભુ સન્મુખ આપણે પણ કેસૂડા ના કલરથી અને વિવિધ રંગોથી પ્રભુને ખેલાવીએ છીયે અને પ્રભુ આપણા ભાવથી ખેલે છે. પ્રભુ સમક્ષ હોળીની ધમારની – ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે.

આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, કુમારિકાઓ પાસે પત્ર – પુષ્પથી સજાવીને ડોલ સિધ્ધ કરાવે છે. વળી, ચારો યુથ શ્રીસ્વામિનીજી, શ્રીચંદ્રાવલીજી, શ્રીવિશાખાજી, શ્રીયમુનાજી ચારેય યુથાધિપતિની ભાવનાથી પ્રભુ ડોલ ઝૂલે છે. ( શ્રીચત્રભુજદાસજી નું પદ અદભુત ડોલ બન્યો મનમોહન ની યાદ અપાવે છે )બધા હળીમળીને સુંદર ડોલ સિધ્ધ કરે છે. લાલાને એમાં ઝુલાવે છે. તે રીત પ્રમાણે આપણે, આપણા નિજગૃહમાં પ્રભુ સન્મુખ ખૂબ હોળી ખેલો અને પ્રભુને ખેલાવવા જોઈએ. પ્રભુને એટલું બધું ખેલાવો કે હોળી ખેલના ઉત્સવ ના આનંદથી પ્રભુ તૃપ્ત થઈ જાય. ( જ્યારે આપણે બ્રહ્મસંબંધ લઇ ને પ્રભુ ને આપણા પતિ માન્યા છે તો પ્રભુ સાથે જ ડોલોત્સવ મનાવવો જોઈએ નહીં કે બીજા ના પતિ સાથે આ એક મર્યાદા છે જેને દરેક પુષ્ટિમાર્ગીય બ્રહ્મસંબંધી દિક્ષાર્થી એ નિભાવવી જોઈએ. )

આ સાંભળીને સર્વ ને ખૂબ આનંદ થાય છે. તેમને થાય છે કે આજે અમારા મનના સર્વ મનોરથો પૂર્ણ થશે. સર્વ ગુરુજનો અને વડીલોની હાજરીમાં પ્રભુને ઝૂલાવવાનો અને ખેલાવવાનો મોકો મળશે. બધાંએ મળીને સુંદર કુંજની રચના કરી. તેમાં પત્ર – પુષ્પોથી સજાવી સુંદર ડોલ સિદ્ધ કર્યો. તેમાં પ્રભુને ઝુલાવ્યા. કેસૂડા અને અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખૂબ ખેલાવ્યા. સાથે સાથે નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, બળદેવજી, સમસ્ત વ્રજવાસીઓ, ગોપ – ગોપીઓ બધાં મળીને ખૂબ હોળી ખેલ્યા. પ્રભુએ પણ વ્રજભક્તો લીલાપરિકર સહિત હોળીખેલનો અને ડોલ ઝૂલવાનો આનંદ માણ્યો.

શ્રીઠાકોરજી નંદાલયમાં આ રીતે ડોલ ઝૂલે છે અને ફાગ ખેલે છે. તે જ રીતે નિકુંજલીલાના ભાવથી વૃંદાવનમાં, શ્રીગોર્વધનની તળેટીમાં, કુંજ – નિકુંજોમાં યુગલ સ્વરૂપે ડોલ ઝૂલે છે. વ્રજના આ અલૌકિક સ્થાનો છે. ત્યાં સદા સુંદર ઝરણા વહે છે. શીતલ મંદ વાયુ વાય છે. અનેક પ્રકારની માધુરી લતાઓ અને વૃક્ષો ઉપર સુંદર ફૂલ ખીલે છે. સદાયે વસંત રહે છે. આ લતાઓ, વૃક્ષો, પુષ્પો, વગેરે ભગવદીય છે. એમના ભોક્તા પ્રભુ છે. પ્રભુને જ માટે આ સર્વ અલૌકિક પદાર્થો વ્રજમાં રહેલા છે. પ્રભુ આ ડોલોત્સવના દિવસે તેમનો વિશેષ અંગીકાર કરે છે. પત્ર – પુષ્પ વગેરેનો ડોલ સિધ્ધ થાય છે. અને એ સર્વ ભગવદીયોના મનોરથો પરીપૂર્ણ થાય છે પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી સર્વ વૈષ્ણવોના ધેર ડોલોત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પત્ર – પુષ્પથી સજાવી ડોલતિબારીમાં સુંદર ડોલ સિધ્ધ કરવામાં આવે છે. સફેદ પિછવાઈ અને સફેદ ઝાલર બંધાય છે. ડોલનું અધિવાસન થાય છે. રાજભોગ આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બિરાજે છે. ડોલમાં પહેલા શ્રીપ્રભુને રંગોથી અને પિછવાઈ ઝાલર, તથા ડોલ ઉપર કેસુડાની પિચકારીના રંગોથી ખેલ થાય છે. પછી ડોલમાં જ પ્રભુને ભોગ આવે છે. ત્યારબાદ કેસૂડાની પિચકારીઓ અને અબીલ – ગુલાલ ઉડાવવામા આવે છે. શ્રીઠાકોરજી, ડોલ, પિછવાઈ, ઝાલર વગેરે રંગોથી અને કેસુડાના કલરથી તરબતર થઈ જાય છે. તેરીતે ઉત્સાહ થી ડોલોત્સવ મનાવવામાં આવે છે. સાથે સાથે હોરીખેલનાં અને ઝૂલાવવાનાં કીર્તનો પણ ગવાય છે.

ભોગ પછી આરતી થાય છે. બાદ પ્રભુ નિજમંદિરમાં ભીતર પધારે છે. ડોલની પરિક્રમાં કર્યા પછી ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે. જેથી શ્રીઠાકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે. રંગ નીકળી ગયા પછી નિત્યક્રમ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધીની સેવા થાય છે. આ રીતે નંદાલયની અને નિકુંજલીલાની ભાવનાથી પુષ્ટિમાર્ગમાં પોતાના સેવ્ય પ્રભુને પોતાના નિજગૃહમાં પોતાના તન, મન, ધનથી આનંદથી ડોલોત્સવ મનાવવામાં આવે છે.
જય શ્રીકૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…