બાળપણ
શિવાજીના જન્મ સમય માટે ઘણા વાદવિવાદ છે. ૧૯ ફેબ્રુઆરી કે ૬ એપ્રિલ કે ૧૦ એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુણેથી ૬૦ કિ.મી. અને મુંબઈથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. ત્યાંના સ્થાનિક શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ ‘શિવા’ રાખ્યુ હતુ. જીજાબાઇને બીજા પુત્રો હતા પરંતુ, એક બીજા મોટા પુત્ર સિવાય કોઇ જીવ્યુ ન હતું.
શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતના તાબામાં કામ કરતા હતા. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેને ૧૬૩૬માં હરાવ્યા હતા. ના છુટકે તેમણે પુણેનો ત્યાગ કરવો પડ્યો હતો અને આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી.
શિવાજીનું કુટુંબ
શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી જીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.
પોતાના પૂર્વજોની જેમ, શહાજી પણ મુઘલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મુઘલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલુ. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બિજાપુર આદિલશાહ સાથે જોડાઇ ગયા હતા. આદિલશાહે તેમને ‘સર લશ્કર’ નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઇ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા.
મહારાજ્યનો પાયો
શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. આ મંડળીમાં હતા – પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોંડાદેવ બધીજ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી. શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યુ હતુ કે “આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે.” આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યુ
શિવાજી પહેલાની રાજકીય પરિસ્થિતિ
ઇ.સ.પૂર્વે ૩૦૦- ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતું. ત્યાર પછી નાના-નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યુ. ઇ.સ. ૧૨૯૨માં અલાઉદ્દિન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી.
૧૪૫૩માં બાહમની રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતી ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું.
૧૬૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજ્યનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી – બિજાપૂર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા.
રાજ્યાભિષેક
જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો
સિંહગઢની લડાઇ
આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા. મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, “ગઢ આલા પણ સિંહ ગેલા” (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું.
દક્ષિણ દિગ્વિજય
ઇ.સ. ૧૬૭૭-૭૮ માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુંગભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું.